છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં કરી હતી રજુઆત જેના પગલે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાતા મળતા પ્રજામાં આનંદ
છોટાઉદેપુર તાલુકાના અતિ પછાત આદિવાસી વિસ્તારમાં દેવહાટ ( અંબાલા) ગામ નેશનલ હાઇવે નંબર 56 ઉપર આવેલ રાઠ વિસ્તારનું અગત્યનું અને અતિ મહત્વનું ગામ છે. આ ગામે આંગણવાડી, પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા પણ આવેલી છે આ ગામની આજુબાજુમાં લેવહાટ ,ચીસાડીયા, નકામલી, હરપાલપુરા સુરસી પાડલીયા, ધમોડી ચઠ્ઠાવાળા બૈડવી, ચીલીયાવાંટ, સાનાડા કટાર વાંટ, જડિયાણા, ધડાગામ,હાંસડાં, કોલીયાથર,વાગલવાડા, આમ 17 જેટલા ગામો આવેલા છે. જેમાં મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારને અડીને આવેલા 12 જેટલા ગામો છે આ ગામોમાં વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ મેળવવા માટે છેક છોટા ઉદેપુર આવવું પડે છે આ રાઠ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની એક પણ સરકારી માધ્યમિક શાળા આવેલ નથી. જે સમસ્યાને ધ્યાને રાખી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરને પત્ર લખી તારીખ 22/ 4/ 25 ના રોજ રજૂઆત કરી હતી કે છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં આવેલું દેવહાટ ગામે આવેલી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં સરકારી હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે જેથી આદિવાસી વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં સરળતા રહે અને શૈક્ષણિક ઘર આંગણે શિક્ષણ મળે અને તેઓનો વિકાસ થાય તેમ છે.
આ સચોટ રજૂઆતના મુદ્દે રાજ્યના આદિજાતી વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતોને ધ્યાને રાખી દેવહાટ,( અંબાલા) તાલુકો જીલ્લો છોટાઉદેપુર ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો પણ શરૂ કરવા બાબતેની યોગ્ય કાર્યવાહી કરવા સકારાત્મક જવાબ આપ્યો છે. જે સકારાત્મક અભિગમ મળતા અને મંજૂરી પ્રક્રિયા હાથ ધરાતા છોટાઉદેપુરના રાઠ વિસ્તારની પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઇ છે. જ્યારે રાઠ વિસ્તારમાં 25 થી 30 km જેવું અંતર કાપી ઉનાળો હોય શિયાળો હોય ચોમાસુ હોય છોટાઉદેપુર આવવામાં તકલીફ પડે પરંતુ આ વર્ગો શરૂ થતા હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતા થઈ પણ જ્યારે આવનારા દિવસોમાં 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ થાય તો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસ થશે અને ઉત્તરોત્તર પ્રગતિ કરશે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

