નસવાડી જૂથ ગ્રામ પંચાયતના નવયુવા સરપંચે પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામના સોની બજાર વિસ્તારમાં અચાનક ગટરની પાઇપલાઇન તૂટી જતાં સર્જાયેલી ગંભીર સમસ્યાનું રાતોરાત સમારકામ કરાવી ગ્રામજનોને મોટી રાહત અપાઈ છે.
સોની બજાર જેવા ભરચક વિસ્તારમાં ગટરની લાઇન તૂટી જતાં ગંદકી અને દુર્ગંધની સમસ્યા ઊભી થઈ હતી. વેપારીઓ અને સ્થાનિક રહીશો માટે મુશ્કેલીજનક પરિસ્થિતિ સર્જાતાં જ સરપંચ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા હતા.
આ કામગીરી રાત્રે અંદાજે 10:00 વાગ્યે શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ મોડી રાત્રે 2:00 વાગ્યા સુધી સતત ચાલી હતી. યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સરપંચ ખુદ સ્થળ પર હાજર રહી સમારકામ પૂર્ણ કરાવ્યું હતું.
સરપંચે જણાવ્યું હતું કે, “લોકોની સુવિધા એ જ અમારી પ્રાથમિકતા છે. સોની બજારમાં પાઇપલાઇન તૂટવાને કારણે લોકોને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.”
આ ત્વરિત કાર્યવાહીથી સોની બજારના વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગ્રામજનોએ જણાવ્યું કે સામાન્ય રીતે સરકારી કામોમાં વિલંબ થતો હોય છે, પરંતુ નવા સરપંચે રાતોરાત કામગીરી પૂર્ણ કરાવી પોતાની કાર્યશૈલીનો પરિચય આપ્યો છે. સમગ્ર ગામજનોએ સરપંચનો આભાર વ્યક્ત કર્યો છે.

