સાગબારાના સરકારી કાર્યક્રમમાં ચૈતર વસાવાનો હોબાળો
“આ મારું નહીં, જનતાનું અપમાન છે” કહી મંત્રીની હાજરીમાં જ કલેક્ટરને ઝાટક્યા
નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રૂ. 28.56 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ભારે વિવાદ સર્જાયો હતો. રાજ્યના આદિજાતિ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આમંત્રણ ન મળ્યાના મુદ્દે ખુલ્લેઆમ હોબાળો કર્યો હતો.
કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રદેશ પ્રમુખ નીલ રાવ, જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જણાવ્યું હતું કે 2013થી કાર્યરત એકલવ્ય મોડેલ સ્કૂલ માટે 240 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળું તમામ સુવિધાઓથી સજ્જ નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જે બદલ તેમણે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આદિવાસી સમાજના વિકાસ માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન આમંત્રણ ન હોવા છતાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. તેમણે મંત્રી નરેશ પટેલની હાજરીમાં જ પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા કલેક્ટરને સવાલો કર્યા હતા. મંચ પરથી જ તેમણે કહ્યું હતું કે,
“મારા જ વિસ્તારમાં કાર્યક્રમ થાય અને મને આમંત્રણ ન મળે, આ કેવી વ્યવસ્થા છે? કલેક્ટરને અમારાથી શું તકલીફ છે? આમંત્રણ પત્રિકામાં મારું નામ પણ નથી, ન પત્રિકા આપવામાં આવી, ન ફોન કરીને જાણ કરવામાં આવી.”
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યને આમંત્રણ ન આપવું એ તેમનું નહીં પરંતુ સમગ્ર જનતાનું અપમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જિલ્લા વહીવટ ભાજપના ઈશારે કામ કરે છે. “આ શાળા કમલમના પૈસાથી નથી બની,” એવો ટોણો પણ તેમણે માર્યો હતો.
હોબાળા દરમિયાન સ્થળ પર હાજર એક વ્યક્તિએ ચૈતર વસાવાને સંબોધન પૂરું કરવા કહ્યુ હતું, જેને લઈ વધુ ગરમાવો સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે સાગબારા તાલુકો ડેડીયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. પોતાના જ મતવિસ્તારમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવા રોષે ભરાયા હતા અને મંત્રીની હાજરીમાં જ જિલ્લા તંત્ર સામે સવાલો ઉઠાવતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

