વડોદરા જિલ્લાના અંનગઢ ગામ નજીક આવેલા નવાપુરા વિસ્તારમાંથી પસાર થતી ફ્રેઈટ કોરિડોર રેલવે ટ્રેક પર શંકાસ્પદ સ્થિતિમાં લગ્ન પ્રસંગોમાં ઉપયોગ થતા “કોલ્ડ પાયરો” પ્રકારના ફટાકડા મળી આવતા ચકચાર મચી ગઈ હતી.
રેલવે બીટ ગાર્ડે ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા તરત જ વડોદરા પોલીસની SOG ટીમ, BDTS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ) તેમજ FSLની ટીમ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. સુરક્ષાની દૃષ્ટિએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સાવચેતીપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
આ મામલે ડીસીપી જગદીશ ચાવડાએ જણાવ્યું હતું કે બે દિવસ અગાઉ એ જ ગામમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેના કારણે તે દિશામાં પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ફટાકડા લગ્ન પ્રસંગમાં ઉપયોગ માટે લાવવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.
હાલ સમગ્ર મામલે SOG દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત બહાર આવશે.

