વડોદરા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ અને ધારાસભ્યો સાથેની સંકલનની બેઠક મળી હતી. જેમાં શહેરની આસપાસ આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા દૂષિત કેમિકલ યુક્ત પાણીને લઈને ધારાસભ્ય દ્વારા આવી કંપનીઓના લાઇસન્સ રદ કરી કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
વડોદરા શહેર અને જિલ્લામાં વિકાસના કામો કરવા માટે અને જે કામો બાકી રહી ગયા છે, તેને પ્રાધાન્ય આપી વહેલી તકે પૂરા કરવા માટે રાબેતા મુજબ મળતી સંકલનની બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે મળી હતી. જેમાં તમામ વિભાગના અધિકારીઓ અને તમામ ધારાસભ્ય હાજર રહ્યા હતા. ધારાસભ્યો દ્વારા તેમના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કામોલક્ષી રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ દ્વારા કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડવાના મામલે આવી કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરી કંપનીઓના લાયસન્સ રદ કરવા જોઈએ તેવી માંગણી કરી હતી.

