છોટાઉદેપુર: સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ ગામડે-ગામડે પહોંચે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બોડેલી તથા નસવાડી વિસ્તારમાં બનેલી અનેક ઇમારતો વર્ષોથી તૈયાર હોવા છતાં લોકાર્પણના અભાવે બંધ જ પડી છે, જેના કારણે ગ્રામજનોને તેનો લાભ મળી રહ્યો નથી.
બોડેલી તાલુકામાં અંદાજે ૧૦ જેટલાં પેટા આરોગ્ય કેન્દ્રો બન્યા છે, પરંતુ તે “ધૂળ ખાતા” અને “બંધ પડેલા” હાલતમાં જોવા મળે છે. નાના અમાદ્રા ગામે બનેલું પેટા આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ રીતે તૈયાર છે, છતાં ગામના લોકો આજે પણ ૪ કિમી દૂર આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર સુધી જવા મજબૂર છે.
કાશીપુરા ગામની સ્થિતિ પણ આવેજ છે. અહીંનું પેટા આરોગ્ય કેન્દ્ર છ મહિના પહેલા તૈયાર થઈ ગયું, તાળાં પણ કટાઈ ગયા, પરંતુ હજુ સુધી લોકાર્પણ ન થતાં સેવા શરૂ થઈ શકી નથી.
ગામના સરપંચોના કહેવા મુજબ, જો કોઈ સગર્ભા મહિલાને અચાનક પ્રસુતિ પીડા ઉપડે તો ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેને ૩ કિમી દૂર લઈ જવી પડે છે, જે અત્યંત જોખમભરી સ્થિતિ સર્જે છે. ગ્રામજનો સરકારને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે લોકાર્પણ કરી આ કેન્દ્રો કાર્યરત કરવામાં આવે.
હાલમાં ઘણા પેટા આરોગ્ય કેન્દ્રો સુમસામ, વેરાન દેખાય છે. આસપાસ ઝાંખરા વધી ગયા છે, દરવાજાઓ પર તાળાં લટકાય છે, અને વર્ષોથી ઊભેલી ઇમારતો જનસેવા વિના બિનઉપયોગી બની રહી છે. ચિરાગ ગુપ્ત છોટા ઉદેપુર

