ડભોઈ તાલુકાના ભીલાપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર ઢાઢર નદી હાલમાં પ્રદૂષણનો ભોગ બની છે. નદીમાં ગટરનું ગંદુ પાણી ભળતા આખી નદી લીલથી છવાઈ ગઈ છે, જેના કારણે ભર ઉનાળે પશુ-પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે ગટરના જોડાણોએ નદીનું સ્વરૂપ બગાડ્યું
ભીલાપુર ગામના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઢાઢર નદીમાં ઉપરવાસના ગામો કે અન્ય વિસ્તારો દ્વારા ગટરના પાણીના જોડાણો કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર જોડાણોને કારણે નદીમાં ચોખ્ખા પાણીને બદલે કાળું અને દુર્ગંધ મારતું ગંદુ પાણી વહી રહ્યું છે. આ ગંદકીને કારણે નદીના પટમાં ચારેતરફ લીલ જામી ગઈ છે, જે પાણીને પીવાલાયક રહેવા દેતી નથી.
ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટ
હાલમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓને પાણીની વધુ જરૂરિયાત હોય છે. પરંતુ નદીનું પાણી ઝેરી અને ગંદુ હોવાથી પશુઓ તે પી શકતા નથી. કિનારાના ગામડાઓના પશુપાલકો માટે પણ આ ચિંતાનો વિષય બન્યો છે કારણ કે પશુઓને પાણી પીવડાવવા માટે દૂર-દૂર સુધી ભટકવું પડે છે ગેરકાયદે જોડાણ: નદીમાં ગટરના પાણી છોડવામાં આવતા જળ સ્ત્રોત પ્રદૂષિત થયો લીલનું સામ્રાજ્ય: ગંદા પાણીને લીધે નદી પર લીલની ચાદર પથરાઈ ગઈ છેજીવસૃષ્ટિ જોખમમાં: પ્રદૂષિત પાણી પીવાથી પશુઓમાં રોગચાળો ફેલાવાની ભીતિ તંત્રની ઉદાસીનતા: ગ્રામજનોની માંગ છે કે નદીમાં ભળતા ગંદા પાણીને અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે એક તરફ સરકાર નદીઓને બચાવવાની વાતો કરે છે બીજી તરફ ભીલાપુરની ઢાઢર નદી ગટરમાં ફેરવાઈ રહી છે જો વહેલી તકે આ ગંદા પાણીનું જોડાણ બંધ નહીં કરવામાં આવે તો પશુધન માટે જીવવું મુશ્કેલ બની જશે

