છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે તા. ૧૬ માર્ચના ગેર મેળા – ૨૦૨૫ અંગે જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતમાં કલેક્ટર કચેરીના વિ.સી. હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના હોળીના મેળાઓમાં હોળીના ત્રીજા દિવસે તા.૧૬ માર્ચના રોજ કવાંટ ખાતે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર ”નો લોકમેળો યોજાય છે. મેળામાં ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારના આદિવાસી “ઘેરૈયા” પાંચ દિવસ આકરા ઉપવાસ કરી ગેર ઉઘરાવે છે. ગેરમેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદ્યોના તાલ પર તાલબદ્ધ “ઘેરૈયા નૃત્ય” કરતા ઘેરૈયા છે. આદિવાસી પરંપરા અને સંસ્કૃતિની ઝાખી કરાવતા “ગેરમેળા”ના લોકમેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાઓની શૃખલામાં મુકવાનો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા “ગેરમેળા” દરમિયાન ઘેરૈયા ટીમ હરિફાઇ,પરંપરાગત તિરંદાજી રમત સ્પર્ધા,ગિલોલ રમત સ્પર્ધા, પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ,ફોટોગ્રાફી હરિફાઇ, મીડિયા કવરેજ હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ સ્પર્ધા ભાગ લેવા માટે સ્પર્ધકોએ chhotaudepur.nic.in પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.આ રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૮ ફેબ્રુઆરી છે. તા.૧૦ માર્ચના રોજ રામ ઢોલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાના વિજેતાઓને તા.૧૬ માર્ચના રોજ પ્રોત્સહાક ઇનામ આપવામાં આવશે.
આદિવાસી પરંપરાગત તિરંદાજી અને ગિલોલની રમત હરિફાઇ તા.૧૫.૩.૨૫ અને તા.૧૬.૩.૨૫ના રોજ થશે. તા.૧૫.૩.૨૫ના રોજ સવારે ૯.૩૦ કલાકે તિરંદાજી અને ગિલોલ સ્પર્ધાના તમામ ટીમોની સ્પર્ધા થશે. તેમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીયા આવનારની ફાઈનલ હરીફાઇ તા.૧૬.૩.૨૫ના રોજ બપોરે 3.૦૦ વાગ્યે થશે. ઘેરૈયા ટીમ હરિફાઇ,પિઠોરા ચિત્ર હરિફાઇ,સંગીતવાદ્ય હરિફાઇ, લોકવાદ્યો,લોકગીતો અને નૃત્ય હરિફાઇ તા.૧૬ માર્ચના રોજ થશે. ફોટોગ્રાફી હરિફાઇ તા.૧૬ માર્ચના રોજ યોજાશે. હરિફાઇમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર ભાગ લઇ શકશે.ફોટોગ્રાફીના તા.૧૯ માર્ચના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

