વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ કાર્યક્રમ હેઠળ મતદારોને સુવિધા પૂરી પાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ડો. ધામેલિયા જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લા અને શહેરમાં સ્પેશિયલ સુધારણા કાર્યક્રમની કામગીરી મોટા પ્રમાણમાં પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને ફોર્મ વિતરણની પ્રક્રિયા મહદ અંશે સંપન્ન થઈ ગઈ છે અને તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં ફોર્મ પ્રાપ્ત થયા છે અને આજે પણ ફોર્મ મળી રહ્યા છે. આ તમામ ફોર્મની ડિજિટાઈઝેશન પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આગામી તબક્કામાં વડોદરા શહેરના વધુ વસ્તીવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે ૧૦૧ વિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ મતદાર કે જેમને ફોર્મ વિતરણ ન થયું હોય તેમને ત્યાં જ ફોર્મ મળી શકશે. જો કોઈને પોતાના વોટર મેચિંગમાં મુશ્કેલી આવતી હોય તો કેન્દ્રમાં હાજર અધિકારીઓ મદદ કરશે. આ ઉપરાંત, ફોર્મ પરત કરવા માટે પણ આ કેન્દ્રોમાં વ્યવસ્થા છે.
જો કે, મતદારોએ તેમના બૂથના સ્થળે જ જઈને કામગીરી પૂર્ણ કરાવવી પડશે. ડો. ધામેલિયાએ મીડિયા મારફતે અપીલ કરી છે કે, મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં આવીને ભાગ લે અને જો મેચિંગ કે ફોર્મ પરત કરવામાં કોઈ મુશ્કેલી હોય તો આ કેન્દ્રોનો ઉપયોગ કરે. ત્યાં તમામ પ્રકારની માહિતી અને સુવિધા પૂરી પાડવામાં આવશે.
આ સાથે જ, વડોદરાના દરેક વોર્ડ કક્ષાએ વધારાના ડીઈઓ (ડેપ્યુટી ઈલેક્શન ઓફિસર) કાર્યાલયો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી મતદારોને વધુ સુવિધા મળી શકે. આ કાર્યક્રમથી મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશ છે.

