વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા બોડી ફળિયામાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીમાં ડ્રેનેજનું મિશ્રણ આવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. ગટરમિશ્રિત પાણીના કારણે સ્થાનિક રહીશો પરેશાન છે અને પીવાનું સ્વચ્છ પાણી મળતું ન હોવાથી આરોગ્ય સંબંધિત ભય ફેલાયો છે.
રહીશોના જણાવ્યા મુજબ, ડેપ્યુટી એન્જિનિયર હેતલબેન અને ડેપ્યુટી સિટી એન્જિનિયર (વોટર સપ્લાય) ધાર્મિક દવેની બેદરકારીને કારણે સમસ્યા સતત વધી રહી છે. મહિને ₹600 સુધીનું પાણી બિલ ચુકવ્યા પછી પણ ગંદુ પાણી મળવું — રહીશો માટે મોટું દુઃખ અને ગુસ્સાનું કારણ બન્યું છે. નવીન લાઇન નાખ્યા બાદ પણ સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
પરિસ્થિતિને ગંભીરતા થી લઇ કોંગ્રેસ કોર્પોરેટર બાલુ સુરવે વિસ્તારોમાં જઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી અને તેમના સમર્થનમાં દેખાવ કર્યો. સુરવે તંત્રને કડક પગલાં લેવા માંગણી કરી હતી. રહીશોએ આક્ષેપ કર્યો કે ભાજપના અન્ય કોર્પોરેટરો તેમના ફોન પણ નથી ઉપાડતા અને લોકોની વાસ્તવિક સમસ્યાઓ અવગણવામાં આવી રહી છે.
રહીશોના જણાવ્યા મુજબ, ચૂંટણી સમયે વચનો આપવામાં આવે છે, પરંતુ મુશ્કેલીના સમયમાં લોકો એકલા પડી રહે છે. બે મહિનાથી ચાલતી આ મુશ્કેલી માટે તેઓ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી ની માંગ કરી રહ્યા છે.
બોડી ફળિયામાં ઉભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાણી પુરવઠા વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યા નિવારવા પગલાં લેવાં જરૂરી બની ગયાં છે.

