વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગઈકાલે યોજાયેલી સામાન્ય સભામાં વૃક્ષારોપણના કામમાં થયેલી અનિયમિતતાઓને લઈને ઉગ્ર ચર્ચા જોવા મળી. કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ મુદ્દો સભામાં પ્રબળ રીતે ઉઠાવ્યો હતો.
ગયા વર્ષે સ્થાયી સમિતિમાં સદભાવના ટ્રસ્ટના નામે ‘માનવ સેવા’ દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ 3,300 રૂપિયા પ્રતિ ઝાડના દરે વૃક્ષારોપણ મંજૂર કરવામાં આવ્યું હતું. બાદમાં સમિતિએ વિચારણા કરીને આ દર ઘટાડીને 1,500 રૂપિયા પ્રતિ ઝાડ નક્કી કર્યો હતો. તેમ છતાં 30 ઑગસ્ટ 2024ના રોજ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ મૂળ દરખાસ્તના આધારે ફરી દર વધારો કરીને 2,000 રૂપિયા પ્રતિ ઝાડના દરે પાંચ કરોડ રૂપિયાનું કામ મંજૂર કર્યું હતું. આ નિર્ણયને લઈને સભામાં સવાલો ઉઠ્યા.
પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપ કર્યો કે વૃક્ષારોપણ કઈ જગ્યાએ કરવાનું તે અધિકારીઓ નક્કી કરે છે, પરંતુ અનેક જગ્યાએ બિનજવાબદારીપૂર્વક ઝાડો રોપવામાં આવ્યા છે. સામા કેનાલ રોડ પર ઊભેલા ઝાડો સાયકલ ટ્રેકના કામ માટે હટાવી દેવાયા હતા, જ્યારે વિશ્વામિત્રી નદીકાંઠે રોપાયેલા ઝાડો ભારે વરસાદને કારણે નાશ પામ્યા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો.
પુષ્પાબેને નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ધ્યાન આ બાબતો તરફ દોરી યોગ્ય સ્થળ પસંદગી, પારદર્શિતા અને જવાબદારી નક્કી કરવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી.
આ ચર્ચા બાદ ફરી એક વખત વૃક્ષારોપણના ટેન્ડર, ખર્ચ અને વાસ્તવિક કામગીરી અંગે કોર્પોરેશનમાં સવાલો ઊભા થયા છે.

