છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે સરકાર દ્વારા 6 કરોડ 82 લાખના ખર્ચે પુલ મંજૂર કર્યો હતો. ખાતમુહૂર્ત ધામધૂમથી થયા બાદ એક મહિનો વીતી ગયો હોવા છતાં પુલના કામે હજુ સુધી શરૂઆત નથી કરી, જેને કારણે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી છે.
છેલ્લા 40 વર્ષથી અશ્વિન નદી પર લો-લેવલનો કોઝવે હોવાથી ચોમાસામાં ચાર મહિના સુધી પાણી ઉપર ફરી વળતા 15 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શિક્ષણ, વેપાર, ખેતી સહિતના કાર્યોમાં ગંભીર અસર પડે છે. વરસાદી દિવસોમાં કોઝવે પર પાણી ઊતરવા કલાકો સુધી રાહ જોવી પડે છે — અનેકવાર ગામો વિશ્વથી કટોકટી જેવી સ્થિતિમાં પહોંચી જાય છે.
પુલનું ખાતમુહૂર્ત ઢોલ-નગારાઓ સાથે, નાચ-ગાનના કાર્યક્રમો વચ્ચે કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી શરૂ કરવા કડક સૂચનાઓ આપી હતી અને સ્થાનિકોને ગુણવત્તા જાળવવાની જવાબદારી સોંપેલી. છતાં વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શન એજન્સીએ એક મહિનાથી વધુ સમય બાદ પણ કોઈ કામગીરી હાથ ધરી નથી. હાલ માત્ર કાચું ડ્રાયવર્ઝન બનાવાયું છે, જે ચોમાસા આવ્યા બાદ ધોવાઈ જવાની પૂરી શક્યતા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, નિયતિ કન્સ્ટ્રક્શનને ગયા વર્ષે નસવાડી તાલુકામાં લગભગ 20 કરોડના કામો સોંપાયા હતા, તેમ છતાં સમય મર્યાદા પુરી થવા છતાં તે કામો હજુ અધૂરાં છે. હવે ફરી આ જ એજન્સીને પુલનું કામ આપાયા બાદ લોકોએ કાર્યક્ષમતા અંગે સવાલો ઉઠાવ્યા છે.
કુકાવટીથી નદી પેલે પાર ખેતી ધરાવતા ખેડૂતોને હાલ 10 કિમીનું વળાંક લઈને ખેતરો સુધી જવું પડે છે. જો ચોમાસા પહેલા પુલની કામગીરી શરૂ નહીં થાય તો આવતા વરસાદી મોસમમાં ફરીથી આ 15 ગામોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ચિરાગ ગુપ્તા નસવાડી

