ઓપરેશન પરાક્રમ અંતર્ગત સાવલી તાલુકામાં ગ્રામ્ય એલસીબી પોલીસે જુગાર વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સાવલીના પોઇચા ચોકડી પાસે આવેલા ભાટિયાના ખુલ્લા મેદાનમાં રાત્રિના સમયે બેટરીના અજવાળે પત્તા પાનાના પૈસાથી જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ્ય એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ખુલ્લા મેદાનમાં કુંડાળું વળી જુગાર રમી રહ્યા છે. જેના આધારે એલસીબી ટીમે સ્થળ પર પહોંચી રેડ કરી હતી. રેડ દરમિયાન ચાર વ્યક્તિઓ ખુલ્લેઆમ જુગાર રમતા ઝડપાયા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં ભાવેશ રાજપુત, અજરઉદ્દીન પઠાણ, સુરેશ શેઠ અને રવિ વસાવાનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 15,700નો મુદ્દામાલ કબજે કરી ચારેય સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રામ્ય એલસીબી પોલીસે જણાવ્યું છે કે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

