વ્હોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી પૈસા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા 2 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદીને વ્હોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવ્યો હતો અને તે વ્હોટ્સએપની પ્રોફાઈલ જોતા તે પ્રોફાઈલમાં તેઓ જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિકનો ફોટો મુકેલો હતો અને તે કંપનીના માલીક ગવર્મેન્ટ અધિકારી સાથે મીટીંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેકટ માટે પૈસાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને એક બેંક ખાતા નંબર મોકલ્યો હતો અને તે બેંક ખાતામાં 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીઓમાં હાર્દિક ઉર્ફે સ્વી રાજેશભાઈ પરમાર ઉ.26 રહેવાસી રૈયા ગામની બાજુમાં, લાઈટ હાઉસ બીલ્ડીંગ નંબર-11, રાજકોટ અને નવાઝ ફારુકભાઈ બુખારી ઉ.26 રહેવાસી જામનગર રોડ, રાજકોટની ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ જેલમાંથી કસ્ટડી મેળવીને ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

