બિનઅધિકૃત ખનીજ ખનન કરતા ૧૦૩ વાહનો કરાયા સીઝ
છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતી, ડોલોમાઈટ, ગ્રેનાઇટના અભૂટ ભંડાર આવેલા છે. કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી તનવીર સૈયદના નૈતૃત્વમા ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બિનઅધિકૃત રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ફેબુઆરી અને માર્ચ મહિના દરમ્યાન સાદી રેતી, ડોલોમાઈટ, બ્લેકક ટ્રેપ અને ગ્રેનાઇટ જેવા ખનીજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ કરવા બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી કુલ ૪૧ વાહનો, જેતપુર પાવી તાલુકામાંથી ૩ર વાહનો, છોટાઉદેપુર તાલુકામાંથી ૧૭ વાહનો, સંખેડા તાલુકામાંથી ૬ વાહનો, નસવાડી તાલુકામાંથી ૭ વાહનો જેમાં ૬ એસ્કેવેટર મશીન, ૧ લોડર મશીન, પ૬ ટ્રકો તેમજ ૪૦ ટ્રેક્ટરો મળી કુલ ૧૦૩ વાહનો સીઝ કરવામાં આવ્યા હતા.
આ તમામ વાહનોના માલિકોને નિયમોનુસાર નોટીસ પાઠવી બે મહિનામાં કુલ રૂ. ૯૮.૩૬ લાખની વસૂલાત કરવામાં આવી હતી.
મોહસીન સુરતી, છોટાઉદેપુર

