કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં રાહત આપવામાં આવતા વેપારી વર્ગોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વેપારીઓએ જણાવ્યું કે પહેલા કરતા હવે ખરીદીમાં વધારો થવાની સંભાવના છે, જેનાથી ધંધો રોજગારને નવી ગતિ મળશે.
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓએ જીએસટી રાહતને આવકારી GST બેનરો દ્વારા જનજાગૃતિ ફેલાવી અને કેન્દ્ર સરકારને શુભેચ્છા પાઠવી.
આ અવસર પર આજે વડોદરા શહેર ભાજપ દ્વારા લોકસંપર્ક ફેરણી કાર્યક્રમ યોજાયો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ હેઠળ જાહેર કરાયેલ “GST બચત ઉત્સવ” અંતર્ગત વેપારીઓ અને નાગરિકોને જીએસટીના નવા દરો અંગે માહિતી આપવામાં આવી.
કાર્યક્રમમાં વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડો. જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લ, કાર્યક્રમના ઈન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ લાખાવાલા, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સુખડિયા તથા પૂર્વ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો જોડાયા હતા.
માંડવીથી લઈને ન્યાયમંદિર અને રાવપુરા વિસ્તારમાં ફેરણી યોજાઈ હતી, જેમાં વેપારીઓને જીએસટી અંગે સમજણ આપવામાં આવી અને દુકાનો પર જાગૃતિના સ્ટિકર લગાવવામાં આવ્યા.

