વડોદરા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity – SOU) સુધી પહોંચતા મુખ્ય માર્ગ પર હાલમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ડભોઈથી અકોટા સુધીના આ મુખ્ય સ્ટેટ હાઈવે પરના ડિવાઈડર પર ઊગી નીકળેલા અને માર્ગ માટે નુકસાનકારક બની રહેલા ઝાંડોને કાપીને હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જોકે, આ ઝાંડોને હટાવ્યા બાદ તેનો કાપેલ કચરો અને ડાળીઓ રોડની બંને બાજુએ ફેંકી દેવામાં આવતાપ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓની બેદરકારી
ડભોઈ સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને વન વિભાગ દ્વારા માર્ગના ડિવાઈડરની સાફ-સફાઈ અને ઝાડીઓ દૂર કરવાની કામગીરીને લઈને પ્રવાસીઓ ખુશ હતા. પરંતુ, આ ઝાંડોને દૂર કર્યા બાદ તેનો જથ્થાબંધ કચરો તાત્કાલિક હટાવવાને બદલે રોડની સાઈડમાં જ છોડી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ માર્ગ મુખ્યત્વે સ્ટેચ્યુ ઑફ યુનિટી તરફ જવાનો હોવાથી અહીં હજારો પ્રવાસીઓની અવરજવર રહે છે. આવા મહત્વના પ્રવાસી માર્ગની બંને તરફ ગંદકી અને કચરાના ઢગલા પડ્યા રહેતા પ્રવાસીઓને અસહ્ય દુર્ગંધ અને ખરાબ દ્રશ્યનો સામનો કરવો પડે છે.
’સ્વચ્છ ગુજરાત’ના સૂત્ર પર સવાલ
એક તરફ સમગ્ર ગુજરાત અને દેશભરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ સરદાર પટેલની વિશ્વ વિખ્યાત પ્રતિમા તરફ દોરી જતાં મુખ્ય માર્ગ પર જ આ પ્રકારે વૃક્ષોનું કટિંગ કર્યા બાદ તેનો કચરો ખુલ્લેઆમ ફેંકી દેવામાં આવતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
પ્રવાસીઓ માંગ કરી રહ્યા છે કે વન વિભાગ અને ડભોઈ સ્ટેટ હાઈવેના અધિકારીઓ તત્કાલ આ માર્ગ પર પડેલા કચરાના ઢગલા અને ઝાડી-ઝાંખરાને દૂર કરે, જેથી પ્રવાસીઓને સ્વચ્છ અને સુખદ વાતાવરણ મળી રહે અને સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ કાગળ પર દેખાઈ રહ્યું છે

