નસવાડીના રેલવે સ્ટેશન વિસ્તારમાં ઉજવાતી પરંપરાગત હોળીની તારીખમાં આ વર્ષે મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ નક્કી મુજબ હોળી ૩ માર્ચ, મંગળવારે પ્રગટાવાની હતી, પરંતુ ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને હવે હોળી ૨ માર્ચ, સોમવારે પ્રગટાવવામાં આવશે.
આ વર્ષે ૩ માર્ચના રોજ ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક માન્યતાઓ મુજબ સૂતક અને ગ્રહણકાળ દરમિયાન શુભ કાર્યો ટાળવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોળી પૂજનમાં કોઈ વિઘ્ન ન આવે અને ગ્રહણના અશુભ પ્રભાવથી બચી શકાય તે માટે આયોજકો અને સ્થાનિક અગ્રણીઓએ ચર્ચા કરીને તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
રેલવે સ્ટેશન વિસ્તારના આગેવાનો દ્વારા ગ્રામજનો અને ભક્તોને આ બદલાવ અંગે જાણકારી આપી મંગળવારના બદલે સોમવારે હોળી પ્રગટાવામાં ઉપસ્થિત રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ નિર્ણયને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચા ચાલી રહી છે અને ભક્તોમાં નવી તારીખને અનુસરી ઉજવણી કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.

