દેશવ્યાપી હડતાળના આહ્વાનને અનુસંધાને આજે વડોદરા શહેરમાં સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ દ્વારા વિશાળ રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની નીતિઓ અને કામદાર વિરોધી કાયદાઓના વિરોધમાં આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું.
અગાઉ યોજાયેલી બેઠકના નિર્ણય મુજબ સાંજે ૪:૦૦ વાગ્યે બડામડી બાગ ચાર રસ્તા ખાતે વિવિધ ક્ષેત્રના કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાંથી શરૂ થયેલી રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. કામદારો હાથમાં પ્લેકાર્ડ્સ લઈને અને સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ ઉઠાવી રહ્યા હતા.
ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલી જાહેર સભામાં કામદાર આગેવાનોએ કામદારોના હિતોને અસર કરતા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો અને સરકારને માંગણીઓ સ્વીકારવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો હતો.
આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો કામદારોની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.

