યુધ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આ મોકડ્રિલનું આયોજન
આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં, આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારની સૂચના મુજબ નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આવતીકાલ તા.૭ મે, ૨૦૨૫ના રોજ વડોદરા શહેર જિલ્લામાં યોજાનાર સિવિલ ડિફેન્સ મોકડ્રીલના આયોજન અંગે કલેક્ટર ડો.અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. વડોદરા શહેર જિલ્લામાં તા. ૭ ના રોજ સાંજના ૪.૦૦ કલાકથી રાત્રિના ૮.૦૦ કલાક સુધી મોકડ્રિલ યોજાશે.આ દરમ્યાન શહેર જિલ્લામાં રાત્રિના ૭.૩૦ કલાકથી ૮.૦૦ કલાક દરમ્યાન કેટલાક સમય બ્લેક આઉટ (અંધારપટ) છવાશે.શહેર જિલ્લાના નાગરિકોને આ સમય દરમ્યાન પોતાના ઘર,ઓફિસ, ઉદ્યોગ ગૃહો,કારખાના કે દુકાનો,વાહનોની લાઈટ બંધ રાખવા નાગરિક સુરક્ષાના આ પગલામાં સહયોગ આપવા જિલ્લા પ્રસાશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
આજે અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં. આ કોઈ ઈમરજન્સી સ્થિતિ નહીં, પરંતુ એક મોકડ્રીલ એટલે કે યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીનો અભ્યાસ છે. આ દરમિયાન ‘યુદ્ધવાળું સાયરન’ વાગશે, જેથી લોકોને જણાવી શકાય કે યુદ્ધ કે હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવાનું હોય છે.
કલેકટર ડો.અનિલ ધામેલિયાએનાગરિકોની સુરક્ષા માટે ઓપરેશન અભ્યાસ મોકડ્રિલ યોજવામાં આવ્યું છે. તેમણે દરેક અધિકારીઓને સંકલન સાથે કામગીરી કરવા જણાવ્યું હતું.આ મોકડ્રિલનો મુખ્ય હેતુ નાગરિકોમાં કોઈપણ જાતના ડર વગર જાગૃતતા ફેલાવાનો છે.આ મૉકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનને સક્રિય કરવામાં આવશે.નાગરિકો અને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમ્યાન આત્મસુરક્ષાનું પ્રશિક્ષણ અપાશે.
તેમણે ઉમેર્યું કે,મંજુસર જી.આઈ.ડી.સી, ઓ.એન.જી.સી.મકરપુરા અને શહેરમાં ઈનઓરબિટ મોલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવશે.જિલ્લાના દરેક ગામોમાં સરપંચો અને નાગરિકોને પણ આ કવાયતમાં જોડવામાં આવશે.
ક્રેશ બ્લેકઆઉટ (અંધારપટ)ની વ્યવસ્થા કરાશે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે એક સાથે વીજળી બંધ કરી શકાય જેથી દુશ્મન લક્ષ્ય ન જોઈ શકે.મહત્ત્વની બિલ્ડીંગો અને જગ્યાઓને છુપાવવા વ્યવસ્થા કરાશે. સ્થળાંતરની યોજનાને અપડેટ કરવામાં આવશે તેમજ તેનું રિહર્સલ પણ કરાશે.
કન્ટ્રોલર ઓફ સિવિલ ડિફેન્સ અને કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, યુદ્ધની પરિસ્થિતિમાં નાગરિકોનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકોમાં આ મોકડ્રિલના માધ્યમથી વ્યાપક જનજાગૃતિ ઊભી કરવામાં આવશે. નાગરિક સંરક્ષણ પ્લાન અધ્યતન કરવા સાથે કલેકટર કચેરીમાં નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવશે.
દુશ્મનો દ્વારા હવાઈ હુમલો થાય તો તે અંગે શું તૈયારી રાખવી, નુકસાન થાય તો બચાવ રાહત કામગીરી, નાગરિકો માટે સલામત સ્થળ નક્કી કરવા, અસરકારક સંચાર વ્યવસ્થા, જરૂરી ખાદ્ય પુરવઠાની ઉપલબ્ધતા, પ્રાથમિક,સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત સરકારી હોસ્પિટલોમાં જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા જેવી બાબતોની કવાયત મોકડ્રિલ દરમ્યાન હાથ ધરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમારે પોલીસ દ્વારા કરવામાં આવનાર કામગીરીની વિગતો આપી હતી.
વડોદરા શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આપદા મિત્રો અને નાગરિક સંરક્ષણ એકમના સ્વયંસેવકો દ્વારા યુધ્ધની પરિસ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે બચાવ કરવો તે અંગે જરૂરી તાલીમ પણ આપવામાં આવશે.જિલ્લા પ્રશાસન દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવા સર્વગ્રાહી પ્રયાસો કરવા સાથે હોમ ગાર્ડ,એન.સી.સી.,નહેરુયુવા કેન્દ્રો,સ્ટુડન્ટ પોલીસ કેડેટનો પણ નાગરિકોની આત્મ સુરક્ષા માટે સહયોગ લેવામાં આવશે.
સાંસદ અને ધારાસભ્યશ્રીએ પોતાના રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં મેયર શ્રીમતી પિન્કીબેન સોની,સાંસદ ડો.હેમાંગ જોષી, ધારાસભ્યો સર્વશ્રી મનીષાબેન વકીલ,ચૈતન્યસિંહ ઝાલા, કેયુરભાઈ રોકડિયા,ચૈતન્યભાઈ દેસાઈ,પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેકટર બી.એસ.પ્રજાપતિ, નાગરિક સંરક્ષણ કચેરીના અધિક કલેકટર સુધાબેન વસાવા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

