સવારથી તાલાળા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી,સોયાબીન સહિતના પાકોની વાવણીના કરાયા શ્રીગણેશ.
ગીર સોમનાથનાં તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા બે દિવસથી મેઘ રાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.આ વર્ષ ચોમાસુ મોડું શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ છેલ્લાબે દિવસથી ગીર પંથકમાં મેઘ મહેર થતા ગીર વિસ્તારના કેટલાક ભાગના ખેડૂતોએ આજથી જ મગફળી, સોયાબીન,તુવેર સહિતનાં પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે.ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસુ વાવણીની શરૂઆત પ્રથમ થઈ છે.હજુપણ ગીરનાં કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થયો નથી.હવે પછીના ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે.
ગીરનાં ખેડૂતોનાં કહેવા મુજબ તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર,રાયડી સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ થયો છે તો ગીર બોર્ડેરના ગામો જેવાકે હરમડિયા,વલાદર,ગાંગેથા,અરણેજ સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે.હવે સચરાચર વરસાદની આશા ખેડૂતો સેવી રહ્યા છે.જે વિસ્તારમાં સારો વાવણી લાયક વરસાદ થયો છે ત્યાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે.આથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી થશે.ખેડૂતો ને આશા છે કે આ વર્ષ ચોમાસુ ભલે મોડું શરૂ થયું હોય પરંતુ ખુબજ સારું રહેશે.જેથી ગીર પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ સારૂએવું થશે.

