વડોદરા: નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ વડોદરાના શહેરીજનો પર મોંઘવારીનો વધુ એક આઘાત પડ્યો છે. વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા ઘરગથ્થુ ઉપયોગ માટેના પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) તેમજ વાહનોમાં વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
VGL દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ PNGના ભાવમાં પ્રતિ યુનિટ ૭૩ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે વડોદરામાં PNGનો નવો ભાવ રૂપિયા ૫૦.૨૩ પ્રતિ યુનિટ થયો છે. આ ભાવ વધારો સીધો મધ્યમ વર્ગ અને ગૃહિણીઓના ઘરખર્ચ પર અસર કરે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા ‘યુનિફાઇડ ટેરિફ’ લાગુ કરવાની અને ગેસના ભાવમાં રાહત મળવાની ચર્ચાઓ ચાલી રહી છે. તેવા સમયે વડોદરા જેવા શહેરમાં સ્થાનિક સ્તરે PNGના ભાવમાં વધારો થતાં ગ્રાહકોમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ગેસના ભાવમાં વધારો થતા ઘરેલુ બજેટ પર બોજ વધશે, તો બીજી તરફ વાહન ચાલકો માટે CNGના વધતા દરો પણ દૈનિક મુસાફરીના ખર્ચમાં વધારો કરશે. નવી વર્ષની શરૂઆતમાં જ જરૂરી સેવાઓ મોંઘી બનતા વડોદરાના નાગરિકોમાં ચિંતા વ્યાપી છે.
હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં VGL દ્વારા ભાવોમાં કોઈ રાહત આપવામાં આવે છે કે નહીં, અથવા મોંઘવારીનો આ બોજ શહેરજનોને સહન કરવો પડશે.

