વડોદરાથી એક પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે, જ્યાં શહેરની મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ હવે શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. આવનારી 26 ફેબ્રુઆરીની બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેલ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, વડોદરા મધ્યસ્થ જેલના કુલ 14 જેટલા કેદીઓ આ વર્ષે બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષાર્થી કેદીઓ માટે જેલ સંકુલમાં જ આદર્શ બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી તેઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે.
ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હવાઉજાસવાળું પરીક્ષા કેન્દ્ર, શુદ્ધ પીવાના પાણી અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે જેલ તંત્ર દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જેલ અધીક્ષક ઉષા રાડાએ જણાવ્યું કે શિક્ષણ એ સુધારણાનો શ્રેષ્ઠ માર્ગ છે અને કેદીઓ શિક્ષિત બની સમાજમાં સન્માનજનક રીતે પુનઃસ્થાપિત થાય તે જ જેલ તંત્રનો મુખ્ય હેતુ છે.

