વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય વિશ્વહિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદલના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં રહેતા હિંદુઓના રક્ષણ સહિતની વિવિધ માંગોને લઈને મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં હાલ હિંસાની પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવતા કાર્યકર્તાઓએ ત્યાં રહેતા અલ્પસંખ્યક હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. હિંદુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભારત સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ રજૂઆત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદલના કાર્યકરો સાવલી સેવાસદન ખાતે એકત્રિત થયા હતા અને મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગો રજૂ કરી હતી.
કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે જો બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતી હિંસા અટકાવવા માટે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

