રાજ્યમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી રીતો અજમાવી રહ્યા હોવા છતાં વડોદરાની પીસીબી શાખાએ તેમની તસ્કરીની ચાલાકી નિષ્ફળ બનાવતા મોટી કાર્યવાહી કરી છે. મળેલી ચોક્કસ બાતમીના આધારે નેશનલ હાઇવે 48 પર દરોડો પાડી કન્ટેનરના ગુપ્ત ખાનામાં છુપાવાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.
માહિતી અનુસાર, હાઇવે પર આવેલી હોટલ કન્કર્ટ ઇન અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચે પાર્ક કરાયેલ આઇસર કન્ટેનર (MH-04-LY-2808) માં દારૂ ભરાયેલ હોવાની બાતમી પોલીસને મળી હતી. પીસીબીની ટીમે સ્થળ પર પહોંચી કન્ટેનરની તલાશી લીધી હતી. તપાસ દરમ્યાન કન્ટેનરમાં ખાસ બનાવવામાં આવેલ ગુપ્ત ખાનું મળી આવ્યું, જેમાં મોટા પાયે વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.
પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી હરણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને પહોંચાડવાનો હતો તેની દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પીસીબીની આ કાર્યવાહીથી બુટલેગરોમાં હલચલ મચી ગઈ છે.

