કોઈ કાગળ ઉપર ચિત્રો દોરે છે જેને આપણે ચિત્રકાર કહીએ છીએ.કોઈ માટી માંથી મૂર્તિ બનાવે તેને મૂર્તિકાર કહીએ છીએ જે પથ્થર ને કોતરી તેમાંથી શિલ્પ બનાવે તેને શિલ્પકાર કહીએ છીએ પરંતુ આ તમામ કલાકારોનું સમન્વય ધરાવતો કલાકાર એટલે છોટાઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તાર ના ગુનાટા ગામનો મેહુલ રાઠવા.
આવતી કાલે સમગ્ર વિશ્વ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો છે.ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિ ને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે જેને જોઈને તમે પણ મંત્ર મુગ્ધ થઈ જશો મધ્યપ્રદેશની સરહદે આવેલ ગુનાટા ગામે રહેતો મલ્ટી ટેલેન્ટેડ મેહુલ રાઠવા પોતાના પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ નબળી હોવાને લઈ તેણે પોતાનો અભ્યાસ ધોરણ 10 પછી છોડી દેવા મજબૂર બનવું પડ્યું.મેહુલ રાઠવાના પરિવારમાં મેહુલ સહિત તમામ પરિજનો સિકલસેલ એનિમિયા નામની બીમારી થી પીડિત છે.મેહુલને નાનપણથીજ ચિત્રો દોરવામાં રસ હતો કારણ કે મેહુલના મામા માનસિંગભાઈ રાઠવા પીઠોરા ચિત્રના એક નામી લખારા છે અને એટલે જ તેના લોહીમાંજ એક કલાકારનું સિંચન થયું.મેહુલે ધોરણ 10 બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી દીધો પણ તેનામાં છુપાયેલ કલાકારે તેને તેની કલાથી વિલિપ્ત થવા ન દીધો.વિષમ પરિસ્થિઓમાં પણ મેહુલ ઘરે પોતાના પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર પીઠોરા લખવાનું કામ કરે છે અને સાથે સાથે માટી માંથી પથ્થરને કોતરીને તો લાકડાને કોતરીને આદિવાસી સંસ્કૃતિ તેની રહેણી કરણી ને ઉજાગર કરતી મૂર્તિઓ બનાવે છે પોતાના જર્જરિત કાચા માટીના મકાનમાં તેણે આગળની ઓસરીની એક દીવાલ ઉપર માટી માંથી થ્રિ ડાયમેનશન માં અલગ અલગ આકૃતિઓ બનાવી છે વર્ષ 2020 મા તેણે પોતાના ગામની કોતરના કિનારે માટીમાંથી આદિવાસીઓના ભગવાન બિરસામુંડાની આબેહૂબ વિશાળ આકૃતિ બનાવી હતી.જેને નિહાળવા તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી IAS મિહિર પટેલ પહોંચ્યા હતા અને મેહુલની કળાને બિરદાવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો હતો આદિવાસી સંસ્કૃતિ અને ભાષાને ઉજાગર કરતા છોટાઉદેપુરના તેજગઢ ખાતે આવેલ ભાષા કેન્દ્ર દ્વારા આદિવાસી રાઠવી ભાષા ઉપર લખાયેલ પુસ્તકોમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા જે ચિત્રો દર્શાવાયા છે એ તમામ ચિત્રો મેહુલ રાઠવાએ દોરેલા છે, ત્યારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર મેહુલ રાઠવાની કલા ખરેખર પ્રસંશા પાત્ર તો છે. જ પણ પોતાની કલા ને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્યકક્ષાએ પણ દેશવિદેશમાં સોળે કળાએ ખીલી ઉઠે એમ છે.

