માંગરોળ નજીક સેપા ગામના દાઉદભાઈ હુસેનભાઈ કાલવતે 2015માં થયેલા ગંભીર અકસ્માત મામલે દાખલ કરેલા વળતર કેસમાં કેશોદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે. PGVCLના વાયરથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયેલા અકસ્માતમાં ફરિયાદીના હાથ અને પગ કપાઈ જવાના ગંભીર બનાવ બાદ આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.
કેશોદ કોર્ટ દ્વારા લગભગ એક વર્ષ પહેલા PGVCLને રૂ. 23,35,000 વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. છતાં આજદિન સુધી વળતર રકમની ચુકવણી ન થતા કોર્ટ દ્વારા સીધો જ જપ્તી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જપ્તી વોરંટના આધારે અરજદાર તથા તેમના વકીલ યુસુફભાઈ કરુડ PGVCL કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કોર્ટના આદેશ મુજબ કોમ્પ્યુટર સહિતના માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કોર્ટના હુકમની અવગણના થતા સરકારી વિભાગ સામે સીધી જપ્તીની કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક સ્તરે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સાથે જ લોકોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેલા PGVCL પાસે રકમની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

