સંખેડા : સંખેડા તાલુકામાં ભાટપુર–ટીંબા વચ્ચે આવેલા ખુનવાડ માઈનોર કેનાલમાં તાજેતરમાં કરાયેલા સમારકામની હકીકત ત્રીજા જ દિવસે બહાર આવી છે. કેનાલના લગભગ 15 ફૂટના ભાગમાં મોટું ભંગાણ પડતા સિંચાઈ વિભાગની કામગીરી અને મરામતની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
કૃષિ આધારિત સંખેડા વિસ્તારમાં કેનાલ સિસ્ટમ મહત્વની કડી છે. પરંતુ ત્રણ દિવસ પહેલાં જ થયેલા રીપેરીંગ બાદ કેનાલ તૂટી જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે “વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. નબળી સામગ્રીથી મરામત થવાથી જ કેનાલ ત્રણ દિવસમાં તૂટી પડી છે.”
ભાટપુર–ટીંબા વચ્ચેના વિસ્તરમાં પાણીનો વેડફાટ થયો અને આસપાસના ખેતરોમાં પણ પાણી ફેલાઈ જતાં ખેડૂતોને સીધી અસર થઈ છે. સિંચાઈ વિભાગની ટીમ સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

