વડોદરા મહાનગરપાલિકા હેઠળના સયાજીગંજ વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 8, 9 અને 11 માં ગુજરાત સરકાર, વડોદરા મહાનગરપાલિકા તથા ધારાસભ્યની સંયુક્ત ગ્રાન્ટમાંથી મોટા પાયે વિકાસકામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અંદાજિત ₹10.06 કરોડના ખર્ચે 72 જેટલી સોસાયટીઓમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ₹2.01 કરોડના ખર્ચે 6 વિકાસકામોની શરૂઆત પણ કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન ગોરવા વિસ્તારમાં આવેલ દશામાં તળાવના નવીનીકરણ, બ્યુટીફિકેશન, નવી પાણીની ટાંકી, સંપ અને ગાર્ડનના વિકાસ સહિતના આશરે ₹39.26 કરોડના પ્રોજેક્ટોના કામોનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ તમામ વિકાસકામોનો પ્રારંભ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર ભરત ડાંગર, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, શહેર ભાજપના કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ 8, 9 અને 11 ના કાઉન્સિલરો, સંગઠનના હોદ્દેદારો તેમજ વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગોરવાના દશામાં તળાવના બ્યુટીફિકેશન માટેના અંદાજિત ₹39 કરોડના કામોનું ખાતમુહૂર્ત અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું, અને આજે તે વિકાસકામોની ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે.

