નસવાડી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. તાલુકાની પાયાકોઇ, ઈટીયા, રતનપુર (કોલંબા) અને પલાસણી પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડોના નિર્માણ માટે ધારાસભ્ય અભેસિંહ તડવીના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આશરે રૂ. ૩ કરોડના ખર્ચે આ શાળાઓમાં આધુનિક સુવિધાસજ્જ વર્ગખંડોનું નિર્માણ થવાનું છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને વધુ સગવડો સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની તક મળશે.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ધારાસભ્યશ્રીના આગમન સમયે ફૂલ વરસાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના વિકાસ અને સરકારની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ધારાસભ્ય અભેસિંહ તડવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવું સરકારની પ્રાથમિકતા છે. નવા વર્ગખંડો વિદ્યાર્થીઓને ઉત્તમ માહોલમાં અભ્યાસ કરવાની તક આપશે અને આવનારા સમયમાં પણ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નો ચાલુ રહેશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ, એસ.ટી. નિગમના પૂર્વ ચેરમેન, સ્થાનિક સરપંચશ્રી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિધિવત ખાતમુહૂર્ત વિધિ પૂર્ણ કરી શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

