નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુંજેઠા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ફોટોથેરાપી મશીનની ભેટ આપવામાં આવી છે. આ સહયોગ એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના આર્થિક સહયોગ (CSR) અને દીપક ફાઉન્ડેશનના અમલીકરણ હેઠળ ચલાવવામાં આવી રહેલા LIC HFL HRIDAY પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વિવિધ ગામોમાં LIC HFL HRIDAY પ્રોજેક્ટ કાર્યરત છે, જેમાં આરોગ્ય, ખેતીવાડી, ડેરી, સ્વસહાય જૂથોની મહિલાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના અનેક લોકઉપયોગી કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આજરોજ તા. 26-12-2025ના રોજ બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને ફોટોથેરાપી મશીન હસ્તાંતરણ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના CSR પ્રોજેક્ટ લીડ શ્રી યશ જૈનના વરદ હસ્તે ફોટોથેરાપી મશીનનું વિધિવત હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં દીપક ફાઉન્ડેશનના શ્રી ધર્મેન્દ્ર નાયક, મેડિકલ ઓફિસરશ્રી, બુંજેઠા અને લીમપુરાના સરપંચશ્રીઓ, આશા વર્કરો તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ ફોટોથેરાપી મશીનના ઉપયોગથી બુંજેઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલા આસપાસના અંદાજે ૩૬ જેટલા ગામોના દર્દીઓને સીધો લાભ મળશે, જેના કારણે નવજાત શિશુઓની સારવારમાં નોંધપાત્ર મદદરૂપ થશે. ગ્રામજનો દ્વારા આ આરોગ્ય સુવિધા બદલ એલ.આઇ.સી. હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને દીપક ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

