સાવલી ખાતે ભીમનાથ મહાદેવ મંદિરના હોલમાં સાવલી વહીવટી તંત્ર દ્વારા પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પી.એમ. કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 22મા હપ્તાની રકમ DBT મારફતે જમા કરાવવાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઓન સ્ક્રીન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કૃષિ સંબંધિત યોજનાઓ તેમજ મિલેટ્સ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

