વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સરસ્વતી નગરમાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી ડ્રેનેજ કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખુલ્લા ખોદકામ અને અધૂરી કામગીરીના કારણે વિસ્તારમાં આવન-જાવનમાં તકલીફ સાથે દુર્ગંધ અને અસ્વચ્છતાની સ્થિતિ સર્જાઈ છે.
માંજલપુર વિસ્તારમાં તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે તંત્ર દ્વારા કરાયેલા ખોદકામને તો પૂરવામાં આવ્યું હતું, પરંતુ જે હેતુથી ખોદકામ કરવામાં આવ્યું હતું તે ડ્રેનેજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
વોર્ડ નંબર-1ના સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશભાઈ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની જાતે તપાસ કરી હતી. તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપતા જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં ડ્રેનેજ લાઇનની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે.
સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે કામ ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવે, જેથી ફરીથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં અને જનતાને રાહત મળે.

