વડોદરા શહેરના મકરપુરા પોલીસે વિદેશી શરાબ નો જથ્થો થેલાઓમાં ભરીને હેરાફેરી કરતા ભાવનગરના બે પુરુષ તેમજ છ મહિલાને ઝડપી પાડીને હજારોની કિંમતના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો.
શહેરના મકરપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, જાંબુઆ બ્રિજ પાસે આવેલી સાઈ સીતારામ હોટલની પાસે છ મહિલા અને બે પુરુષ અલગ અલગ થયેલામાં વિદેશી શરાબનો જથ્થો લઈને ઊભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસતા તેઓના થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 534 જેટલી નાની બોટલો મળી આવી હતી. પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઊતરી પડ્યા હતા. વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસની રાહ જોતા હતા. મકરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં મૂળ ભાવનગરની છ મહિના તેમજ બે પુરુષ મળી આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જ્યારે તેઓની પાસેથી 180 ml ની 534 જેટલી વિદેશી શરાબની બોટલો, કુલ કિંમત 64,195નો મુદ્દામાલ કબજે લીધો છે.

