ભારતના મહાન સમાજ સુધારક Mahatma Jyotiba Phule અને સ્ત્રી શિક્ષણના પ્રણેતા Savitribai Phuleને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત કરવાની માંગ ફરી એકવાર બુલંદ બની છે.
સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ, ગુજરાત દ્વારા રાજ્યના તમામ ૩૪ જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત વડોદરા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર સોંપ્યા હતા.
આ તબક્કે સમસ્ત માળી સમાજ મહામંડળના અધ્યક્ષ ભાવિકભાઈ રામીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માળી સમાજ છેલ્લા ઘણા સમયથી આ ન્યાયસંગત માંગણી કરી રહ્યો છે, છતાં સરકાર આ બાબતે ઉદાસીન જણાઈ રહી છે. તેમનું કહેવું છે કે ફૂલે દંપતીએ માત્ર કોઈ એક સમાજ માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સામાજિક સુધાર અને શિક્ષણ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે અન્ય મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે, ત્યારે આધુનિક ભારતના પાયા મજબૂત બનાવનાર ફૂલે દંપતીને અત્યાર સુધી આ સન્માન કેમ આપવામાં આવ્યું નથી તે સવાલ ઊભો થાય છે. જો સરકાર તેમની માંગણી પર તાત્કાલિક નિર્ણય નહીં લે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાની ચીમકી પણ સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી છે.

