વડોદરા નજીક નેશનલ હાઈવે નં. 48 પર આવેલા સાવરીયા ઢાબા પાસેના એક ખુલ્લા ગેરેજમાં દરોડો પાડીને ગાંજાના ચાર છોડનું વાવેતર કરી પાણી-ખાતર આપી માવજત કરતા 3 શખ્સને કપુરાઇ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 13.750 કિલો વજનના લીલા ગાંજાના છોડ તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 7 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાવલની સૂચના હેઠળ પેટ્રોલિંગમાં ફરતા સ્ટાફને ગુપ્ત બાતમી મળી હતી કે, તરસાલી બ્રિજથી જામ્બુવા તરફ જતા સાવરિયા ઢાબા પાસે જીયો ટાવરની બાજુમાં લોખંડના પતરાંવાળા ખુલ્લા ગેરેજમાં 3 ઈસમ ગેરેજની ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડનો ઉછેર કરી પાણી-ખાતર આપી માવજત કરે છે અને તેનું સેવન તેમજ વેચાણ કરે છે. આ બાતમીના આધારે કપુરાઇ પોલીસે તુરંત રેડ પાડતાં ગેરેજના કમ્પાઉન્ડના પૂર્વ અને દક્ષિણ દિશાના ત્રિકોણીય ખૂણામાં તારની જાળીની પશ્ચિમ બાજુએ લાઈનમાં વાવેલા 4 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડની ઊંચાઈ અને વિશિષ્ટ વાસને કારણે તે ગાંજાના છોડ હોવાનું સ્પષ્ટ થયું હતું. ઘટનાસ્થળે હાજર ત્રણેય ઈસમો પાસે ગાંજાના છોડનું વાવેતર કરવા માટે કોઈ પરવાનગી કે પુરાવો માંગતાં તેઓ કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે એક સગીર સહિત ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા હતા.

