વડોદરા જિલ્લાના સાવલી-વડોદરા રોડ પર આવેલ લામડાપુરા ગામ નજીક સ્થિત રાજશાહ કેમિકલ નામની ખાનગી કંપનીમાં અચાનક વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કંપની વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારોમાં ચિંતા ફેલાઈ હતી.
પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં કેમિકલનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
આગની જાણ મળતા ચારથી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ હાથ ધરાયા છે. ફાયર ટીમ દ્વારા આગને કંટ્રોલ કરવા માટે પાણીના મારો સાથે કામગીરી ચાલી રહી છે.
સદનસીબે, અત્યાર સુધી આ આગની ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી સામે આવી નથી. જોકે આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે.
ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આગના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

