વડોદરા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શિવમ સ્ક્રેપ નામની કંપનીના ભંગારના ગોડાઉનમાં આજે બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ગોડાઉનમાં રાખવામાં આવેલ લોખંડનો ભંગાર તેમજ અન્ય કચરો આગની ઝપેટમાં આવી ગયો હતો, જેના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી.
ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તે તપાસનો વિષય છે.
ગોડાઉનમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે પૂછતા ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિકતા આગને કાબૂમાં લેવાની હતી અને હવે આગના કારણો તથા સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તપાસ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

