ડભોઇ-વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી ભર્યો મામલો VIP રૂટ માટે તત્કાળ ‘આંખે પાટા’ બાંધવાનો પ્રયાસ, સામાન્ય જનતા માટે જોખમ યથાવત
ડભોઇ-વડોદરા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલું ખોદકામ સ્થાનિક તંત્રની અંધેર નીતિનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યું છે. રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને આગળના વિસ્તાર સુધી રોડની ડાબી બાજુ પર ખોદકામ કરીને તેને એમ જ છોડી દેવામાં આવ્યું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગ (RMB) ની બેદરકારી સામે આવી છે, જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે.રાત્રિના સમયે અકસ્માતનો મોટો ખતરો:રોડની કિનારી પર આવેલા આ ખાડા અને ખોદકામને કારણે ખાસ કરીને રાત્રિના અંધારામાં વાહનચાલકોને અકસ્માત થવાની શક્યતા અનેકગણી વધી ગઈ છે. સ્થાનિક નાગરિકો તરફથી આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં, RMB વિભાગે કોઈ યોગ્ય કાર્યવાહી કરી નથી, જેનાથી લોકોમાં વ્યાપક રોષ ફેલાયો છે.
VIP રૂટ માટે ‘શોભાના ગાંઠિયા’ જેવો તત્કાલિન ઉપાય પરંતુ હવે મામલો એક ચોંકાવનારો વળાંક લઈ રહ્યો છે. આગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગાંધીનગર અને રાજ્યના અન્ય ભાગોમાંથી અનેક સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓનો કાફલો આ જ માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરવાનો છે.વી.આઈ.પી. કાફલાની મુશ્કેલી ટાળવા માટે, અચાનક જ RMB વિભાગે યુદ્ધના ધોરણે આ ખોદાયેલા ભાગ પર પતરાં (ટિન શીટ) મારી દીધા છે, જેથી રસ્તાનો ખાડો દેખાય નહીં અને વી.આઈ.પી. વાહનોને કોઈ અસુવિધા ન થાય જનતાનો સવાલ: શું સામાન્ય નાગરિકોના જીવનું મૂલ્ય નથી?
તંત્રના આ ભેદભાવપૂર્ણ વલણથી સામાન્ય જનતામાં અસંતોષની લાગણી ચરમસીમાએ પહોંચી છે. સ્થાનિક નાગરિકોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે, “જાહેર જનતાને રોજિંદા અકસ્માતનો ખતરો રહે એ તંત્રને ચાલે છે, પરંતુ વી.આઈ.પી. લોકો પસાર થાય ત્યારે તરત જ તકેદારી રાખવામાં આવે છે!”
આ તાત્કાલિક પતરાં મારવાનો દેખાવડો માત્ર VIP ઇવેન્ટ પૂરતો મર્યાદિત ન રહે, તેવી જનતાની સ્પષ્ટ માગ છે. નાગરિકોની માગણી છે કે રોડની માત્ર દેખાવા પૂરતી કામગીરીને બદલે, કાયમી સમાધાન લાવવામાં આવે અને આ રોડની યોગ્ય મરામત વહેલી તકે કરવામાં આવે, જેથી સામાન્ય વાહનચાલકો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે.
ડભોઇ-વડોદરા માર્ગ પરની આ બેદરકારીએ તંત્રની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

