ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી વડોદરા શહેર ભાજપ સંગઠનમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. દસ મહિનાની લાંબી રાહ પછી જિલ્લા પ્રમુખ સહિત શહેરના તમામ 19 વોર્ડમાં ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીની નિમણૂક જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ સમાજોના પ્રતિનિધિત્વને સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રદેશ મોવડી મંડળ દ્વારા જાહેર કરાયેલી નવી બોડીમાં 19 વોર્ડમાંથી કુલ ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષનો સમાવેશ થાય છે. આ નિમણૂકોમાં માત્ર પાંચ હોદ્દેદારોને પુનરાવર્તન મળ્યું છે જ્યારે બાકીના માટે ‘નો રિપિટ થિયરી’ અમલમાં મૂકવામાં આવી છે. નવા હોદ્દેદારો પર આગામી ચૂંટણીમાં પક્ષને વધુ મજબૂત બનાવવા અને જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પ્રસંગે શહેરના નમો કમલમ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તમામ નવા હોદ્દેદારોનો સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

