વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગને દેશમાંથી નાબૂદ કરવા ના દેશના માનનીય વડાપ્રધાનની મહત્વકાંક્ષી ઝૂંબેશ ને વેગ આપવા માટે ટીબી રોગના દર્દીઓ માટે દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે. તે હેતુસર ભારત સરકાર આરોગ્ય મંત્રાલયે વર્ષ પહેલી એપ્રિલ ૨૦૧૮ થી નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને તેમની સારવાર શરૂ કર્યા થી સારવાર પૂર્ણ થાય ત્યાં સુધી તેમના બેંક એકાઉન્ટ માં દર મહિને રૂપિયા ૫૦૦/- ની સહાય આપવામાં આવે છે. તે ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી દર્દી ને પૂરતું પોષણ મળી રહે તે માટે નિક્ષય મિત્ર નામની સ્કીમ અંતર્ગત એક એક મહિના ની પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરીને આપવા માટે ની પણ ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે આજે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા રાષ્ટ્રીય પોષણ માહ કાર્યક્રમ અંતર્ગત “સહી પોષણ દેશ રોશન” ના સ્લોગન સાથે પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.
જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા તથા દિપક ફાઉન્ડેશન વડોદરા ના પ્રોજેક્ટ ઓફીસર આકાંક્ષા સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર, બ્રિજેશ ગુપ્તા સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટ ના ૨૬ જેટલા લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

