વડોદરા શહેરના ગોરવા વિસ્તારના દશામાં મંદિર પાસે દબાણ શાખા દ્વારા ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાચા–પાકા મકાનોને તોડવાની કાર્યવાહી કરાયા બાદ દબાણ શાખાની ટીમે દશામાં મંદિર સામે આવેલ ભાથુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર પણ તોડી પાડ્યું હતું. કોઠિયા તળાવ વિસ્તારમાં ખોડિયાર માતા અને ભાથુજી મહારાજનાં મંદિરો સાથે કેટલાક મકાનો પણ દૂર કરતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો।
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર રામીએ ભાજપના ધારાસભ્ય કેયુર રોકડીયા અને વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમની દલીલ મુજબ, “ભાથુજી મહારાજનું વર્ષો જૂનું મંદિર તોડી પડે ત્યારે કોઈ માનવતા દેખાડવામાં આવી નથી. હિન્દુઓની વાતો મોટા પ્રમાણમાં કરનાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભગવાનનું મંદિર જ નડ્યું હોય એવું લાગે છે.”
સ્થાનિક નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી હતી. લોકોનું કહેવું છે કે
“આજે માનવતાના ઘર તો તોડી પડાયા જ છે, હવે તો ભગવાનના મંદિર પણ સુરક્ષિત નથી.”
દબાણદૂર કામગીરી દરમિયાન ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવાતા આખા વિસ્તારમાં ચર્ચા અને અસંતોષની લાગણી ફેલાઈ છે.

