વડોદરા શહેરમાં વધુ એક સ્કૂલને ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયા છે. સ્કૂલ પરિસરમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ અલગ સ્કૂલોને આ પ્રકારની ધમકીઓ મળી ચૂકી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ધમકી આપનારને શોધવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ધમકીભર્યો ઇ-મેલ મળતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. આ મેસેજમાં RDX મુકાયું અને આખી સ્કૂલ ઉડાવી દઈશું તેવી ધમકી આપવામાં આવી છે, ત્યારે હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ્સ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઈ છે. તાત્કાલિક વાલીઓને પણ જાણ કરી વિદ્યાર્થીઓને સેફલી ઘરે મોકલી દેવામાં આવ્યા છે

