વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જનાર SRP જવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માહિતી અનુસાર, મકરપુરા પોલીસની પેટ્રોલિંગ ટીમને કંટ્રોલ રૂમ (112) મારફતે જાણ થઈ હતી કે મકરપુરા હજીરા સામે આવેલી ગોકુળ નગર સોસાયટી નજીક અકસ્માત સર્જાયો છે. પોલીસ સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે GJ-18-BJ-1496 નંબરની કારના ચાલકે મહેશભાઈ નારાયણદાસના મકાન પાસે અકસ્માત સર્જ્યો હતો.
પોલીસે કાર ચાલકની તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ દરમિયાન કારમાંથી પ્લાસ્ટિકની બોટલમાં દેશી દારૂ પણ મળી આવ્યો હતો, જેને આધારે પોલીસે આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપીની ઓળખ રાજેશભાઈ ધનજીભાઈ પાંડવ (ઉંમર ૪૭ વર્ષ) તરીકે થઈ છે. તેઓ મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી છે અને SRP ગ્રુપ-૧૨ ગાંધીનગરમાં ફરજ બજાવે છે. હાલ તેઓ વડોદરા ખાતે SRP ગ્રુપ-૯માં SDRF તાલીમ માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર મામલે મકરપુરા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

