શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા કાફે ખાતે યોજાયેલા એકોસ વિથ પ્રેરણા શિર્ષક હેઠળના યુવા સંવાદમાં પ્રેરણા કૌલે ડિજિટલ યુગમાં સંબંધોની ગૂંચવણ વિષયે યુવા સંવાદને સંબોધ્યો હતો. પ્રેરણા કૌલ ખાનગી યુનિ,માં ડોક્ટર ઑફ્ ફાર્મસીનો અભ્યાસ કરે છે. આ સાથે તેણી આંતરરાષ્ટ્રીય રાઈફલ અને પિસ્તોલ શૂટર, ભરતનાટયમ નૃત્યાંગના, સિનિયર એનસીસી કેડેટ તથા યૂટયૂબર પણ છે.
સંવાદ વિશે વાત કરતા પ્રેરણા કૌલે જણાવ્યું હતું કે, સંવાદમાં સિચ્યુએશનશિપ, વેલિડેશન અને લોન્લીનેશ ઇન ધ ડિજીટલ એજ વિષયે ચર્ચા કરાઇ હતી. હાલની યુવા પેઢી પ્રેમથી નહીં, પરંતુ અનિશ્ચિતતાથી થાકી ગઈ છે. સિચ્યુએશનશિપ ખોટું નથી પરંતુ જ્યારે બંને તરફથી લાગણી સમાન ન હોય અને છતાં એક વ્યક્તિ અટકી રહે ત્યારે તે નુકસાનકારક સાબિત થાય છે. જેથી આજના યુવાનો દુઃખથી નહીં પરંતુ સ્પષ્ટતા ના હોવાના કારણે પીડાય છે. આ સાથે જાણવું જરૂરી બન્યું છે કે, વેલિડેશન માનવીય જરૂરિયાત છે પરંતુ જ્યારે તમારું મૂલ્ય બીજાની પ્રતિભાવ પર આધાર રાખતુ થઇ જાય છે ત્યારે તે જોખમી બની જાય છે. આધુનિક સમયમાં લોકો ભાવનાત્મક ઊંડાણના અભાવથી લોન્લીનેશનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં લોકો ડિજિટલ જોડાયેલા તો છે, પરંતુ સુરક્ષિત રીતે ખુલીને વાત કરવા માટેના સંબંધો બહુ ઓછા રહ્યા છે. જેથી આપણે ઓછામાં ઓછો એક એવો સંબંધ બનાવવો જોઇએ કે જ્યાં કોઈ ઢોંગ વગર તમે દરેક વાત નિખાલસતાથી કહી શકો. આમ કરવાથી જીવન સરળતાથી જીવી શકાશે.

