વડોદરા શહેરને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે Vadodara Municipal Corporation દ્વારા ‘વન ડે વન રોડ’ અભિયાન વધુ તેજ બનાવાયું છે.
આ અભિયાન હેઠળ આજે ફતેગંજ મેઈન રોડ પર સઘન દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના વ્યસ્ત માર્ગ પર મહાનગરપાલિકાની ટીમોએ ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરી હતી.
આ ઝુંબેશમાં દબાણ શાખા, સેનિટરી, ગાર્ડન અને એન્જિનિયરિંગ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ટ્રાફિકમાં અડચણરૂપ લારી-ગલ્લા અને અન્ય સામગ્રીને દૂર કરી માર્ગને ખુલ્લો બનાવવામાં આવ્યો હતો.
વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી એ જણાવ્યું કે, કામગીરી દરમિયાન ત્રણ ટ્રક ભરાય એટલો ગેરકાયદેસર સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને શહેર વધુ સ્વચ્છ બને.

