વડોદરા શહેરમાં આજે એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે લાગુ કેટલાક કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, અલકાપુરી ખાતેથી શરૂ થયેલી વિશાળ “જન આક્રોશ રેલી” રેસકોર્સ ખાતે આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચી અને ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી જઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસી (UGC)ના વર્ષો જૂના કેટલાક નિયમોના કારણે વિદ્યાર્થીઓને અન્યાય સહન કરવો પડે છે. રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા વિદ્યાર્થીઓના કેસોનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સમાન અધિકારોની માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ એસસી, એસટી અને ઓબીસી સમાજ સામે થતાં અત્યાચાર બંધ કરવાની પણ માગ કરવામાં આવી હતી.
આંદોલનકારોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ફેબ્રુઆરી મહિનામાં તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 5મી માર્ચે વડોદરા જિલ્લામાં વિવિધ સંગઠનો સાથે મળીને હજારો લોકો જોડાઈ ઉગ્ર આંદોલન કરશે.
રેલીના અંતે પ્રતિનિધિમંડળે કલેક્ટરને આવેદનપત્ર સોંપી સરકાર સુધી આ મુદ્દાઓ પહોંચાડવા રજૂઆત કરી હતી.

