વડોદરાના પિનાકલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજે તબીબી ક્ષેત્રે નવી દિશા દર્શાવતી ‘એન્ડોસ્કોપિક નેવિગેટેડ સ્પાઈન સર્જરી યુનિટ’નું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશકુમાર મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આશીર્વચન પાઠવ્યા હતા.
મહારાજશ્રીએ ટેકનોલોજી અને માનવસેવાના સંયોજનને બિરદાવતાં હોસ્પિટલની આ પહેલને દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આધુનિક વૈદ્યકીય સાધનો અને નિષ્ણાત તબીબોની સેવા સમાજ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
પ્રખ્યાત સ્પાઈન સર્જન ડો. શૈશવ શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યુનિટમાં easyNav™ 2.0 જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડરજ્જુની જટિલ સર્જરી હવે વધુ સચોટ અને સુરક્ષિત રીતે કરી શકાશે. આ આધુનિક સારવાર પદ્ધતિથી દર્દીઓ ઝડપથી આરોગ્યપ્રાપ્તિ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વડોદરાના અનેક અગ્રણી તબીબો, આરોગ્ય ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

