વડોદરા: જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક થયેલા ખૂની હુમલા કેસમાં પોલીસે આરોપી વિશાલ કહારને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમિયાન પોલીસે આરોપી પાસેથી હુમલો કેવી રીતે કર્યો, ક્યાંથી આવ્યો અને હુમલા બાદ કેવી રીતે ફરાર થયો તેની વિગતો સ્થળ પર રજૂ કરાવી હતી.
આ ઘટનામાં છરા વડે કરાયેલા હુમલામાં મોહંમદ હુસૈન ઝુલ્ફીકાર અલી સૈયદનું મોત નિપજ્યું હતું. તપાસ દરમિયાન ખુલ્યું છે કે હુમલા બાદ આરોપી સમા વિસ્તારમાં વિશ્વામિત્રી નદી પાસે છુપાયો હતો.
પોલીસે અગાઉ જ આરોપી પાસેથી ચપ્પુ તેમજ લોહી લાગેલા કપડાં જપ્ત કર્યા હોવાનું જણાવ્યું છે. રી-કન્સ્ટ્રક્શન દરમિયાન ઘટનાની દરેક કડીને જોડીને પોલીસે તપાસ વધુ આગળ ધપાવી છે.

