નસવાડી તાલુકાના પલાસણી ટર્નિંગ પાસે આજે વહેલી તકે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેફામ દોડતી ટ્રકે બોલેરો કારને જોરદાર ટક્કર મારતા કાર રોડની બાજુના ખાડામાં ખાબકી ગઈ હતી. ઘટનાને લઈ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશ તરફથી સુરત તરફ જઈ રહેલી 18 ચક્કાની ટ્રક (નંબર GJ 06 BY 1852) જોખમી ટર્નિંગ પર આવી પહોંચી ત્યારે ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. તે દરમિયાન નસવાડી તરફ જઈ રહેલી બોલેરો (નંબર GJ 18 AM 2831)ને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો હવામાં ફંગોળાઈને રોડની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં જઈ પડી હતી.
અકસાનની ગંભીરતા છતાં સદનસીબે બોલેરોમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. વાહનની હાલત ગંભીર રીતે નુકસાનગ્રસ્ત થઈ હતી, જેને જોઈ ઘટનાની તીવ્રતા અંદાજી શકાય છે.
અકસાન બાદ ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જાગૃત નાગરિકોએ પીછો કરીને કંડવા પેટ્રોલ પંપ નજીક તેને પકડી પાડ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો.
પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પલાસણી ટર્નિંગ પર અવારનવાર અકસ્માતો થતા હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે અને તંત્ર દ્વારા સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે.

